Welcome to egujaratitimes.com!

આયુર્વેદની દૃષ્ટિએ શરદપુનમ

જીવેત: શરદ: શતમ્ એ આશીર્વાદ શરદ ઋતુની રોગોત્પાદક શક્તિને લક્ષ્યમાં રાખીને આપવામાં આવે છે

શરદપુનમનો મહિમા આયુર્વેદની દૃષ્ટિએ અનાપસનાપ છે અને જો તેના કિરણોનો વ્યવસ્થિત લાભ લેવામાં આવે તો આરોગ્યમાં ઘણો મોટો ફાયદો કરાવી શકે તેમ છે.

15:55 11/10/2019
ઋતુ ત્રણ પણ છે અને છ પણ છે. હેમંત, શિષીર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ ઋતુ. તેમાં ભાદરવો અને આસોના 60 દિવસ તેને શરદ ઋતુ કહે છે. તે બે ઋતુમાં સંચય થયેલા પિત્તનો સૂર્યની તીવ્ર ગરમીથી પ્રકોપ થવાથી રોગો થવાની શક્યતા વધી જાય છે. આ બે મહિના જો સ્વાસ્થ્ય સારી રીતે સચવાય તો બાકીના 10 મહિના વાંધો નથી આવતો. એટલે જ આશીર્વાદ આપતા કહેવામાં આવે છે કે જીવેત: શરદ: શતમ્ એટલે કે તુ 100 શરદ ઋતુ સારીરીતે પસાર કરી શકે તેવું જીવન જીવજે. આ વર્ષે શરદ ઋતુ 23 ઓગષ્ટ, 2019 બપોરે 3 વાગે 31 મિનિટ અને 18 સેક્ધડે શરૂ થઈ છે જે તા. 23 ઓક્ટોબર 2019 રાત્રે 10 વાગે 48 મિનિટ અને 53 સેક્ધડ સુધી રહેશે. આ શરદ ઋતુમાં આહાર અને વિહારમાં નીચે પ્રમાણેનું ધ્યાન રાખવામાં આવે તો અત્યંત ફાયદો થશે.

શરદપુનમના ચંદ્રની વિશિષ્ટ શક્તિ

શરદપુનમની ચંદ્રમાના કિરણોમાં એક અદ્ભુત શક્તિ પડેલી છે. કહેવાય છે કે બે કિલોમીટર નીચે તળાવની અંદર વર્ષમાં એક વખત એક ફૂલ ઉગે છે તે શરદપુનમના ચંદ્રની પ્રભાના કારણે છે. શરદપુનમની રાત્રીએ એક કિલો કાગદી બદામના મીંજ, એક કિલો ખડી સાકર, એક કિલો દેશી ગાયનું ઘી, અને 250 ગ્રામ મરી એ એક તપેલામાં હલાવીને સમગ્ર રાત્રિ દરમ્યાન ચાંદનીના કિરણોમાં મુકી રાખવાથી એક અદ્ભુત વિશિષ્ટ પાક બને છે જે રોજ થોડું થોડું વાપરવાથી મેધાની વૃદ્ધિ થાય છે. દેશી ગાયનું ઘી, ખડી સાકર અને સોનાનો વરખ ભેળવીને સમગ્ર રાત્રિ દરમ્યાન પુનમના ચંદ્રમાની નીચે રાખવાથી અને પછી રોજ ચણાની દાળ જેટલી અલ્પ માત્રામાં વાપરવાથી મહાન ફાયદો થાય છે. છેવટે વર્ષ દરમ્યાન વપરાતી ખડી સાકર પણ આ ચાંદનીની રાત્રિએ અગાસીમાં કપડું ઢાંકીને રાખવાથી તે સાકરમાં પણ અનેક ગુણો પ્રગટ થાય છે. જૈનોમાં પણ ભગવાનના ગુણવાચક નામોની સ્તવના એક રાત્રીમાં 108 વખત નમોત્થુણં સ્તોત્ર દ્વારા કરવાની 5રંપરા ચાલુ છે. જેમાં ચંદ્રની પ્રભા શરીર પર પડવી જોઈએ, માથા પર કોઈ છજ્જુ જોઈએ અને આ પ્રમાણે મંત્રસાધના કરવાથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ સહજ અને સુલભ બને છે.

જમ્યા પછી વજ્રાસન અને વામકુક્ષી

શરદ ઋતુમાં ઉગ્ર તાપથી બચવા બપોરે બહાર ન નીકળવું. તેમજ બપોરે સુવાનું પણ બંધ કરી દેવું જોઈએ. બપોરે સુવુ જ પડે તો ખુરશીમાં બેઠા બેઠા સુવું જોઈએ. આમ પણ આયુર્વેદમાં જણાવાયું છે કે જમ્યા પછી જે ઘસઘસાટ સૂઈ જાય છે તેનું શરીર ભૂંડની જેમ વધે છે અને તેને ત્રિદોષવૃદ્ધિ મફતમાં મળે છે. જમ્યા પછી વામકુક્ષી કરી શકાય છે. જેમાં જમ્યા પછી વજ્રાસન કર્યા પછી બે-પાંચ મિનિટ રાજાની જેમ શાંતિથી બેસીને લવીંગ, ધાણાજીરૂ, જેઠીમધ, વરીયાળી, ચણકબાબ અને એલચીનો મુખવાસ લેવો જોઈએ. અને ત્યાર પછી યુવાનોએ અને નિરોગીઓએ 250 પગલા અને વૃદ્ધો અને બીમારોએ 100 પગલા ચાલવું જોઈએ. અને ત્યારબાદ ડાબા પડખે 16 નોર્મલ શ્ર્વાસોચ્છવાસ ત્યારબાદ જમણા પડખે 32 શ્ર્વાસોચ્છશ્ર્વાસ અને પાછું ડાબા પડખે 64 શ્ર્વાસોચ્છશ્ર્વાસ લેવાની વિધિ બતાવી છે. આ 64 ગણતા ગણતા મીઠી નીંદર 10-15 મિનિટની આવશે જે ખૂબ ઉપયોગી છે. પરંતુ ઘસઘસાટ નહીં સૂવું જોઈએ.

શરદ ઋતુના આહાર વિહાર

આ ઋતુમાં નદીનું પાણી, વિરેચન, લોહી કઢાવવું, ધોળા ચોખા, ઘઉં, મગ, જવ, ઘી, દૂધ, આમળા, સાકર, હલકા, તુરા, કડવા, ગળ્યા દ્રવ્યો, શેરડી, કપુર, હંસોદક (સૂર્ય-ચંદ્ર અને અગસ્થ્ય તારાના કિરણોથી શુદ્ધ થયેલું પાણી) સુંદર મહેલ, સુગંધીદાર ફુલના હાર અને વસ્ત્રો સફેદ પહેરવા જોઈએ અને સોના તથા મોતીની માળા પહેરવી જોઈએ. રાત્રે શ્ર્વેત શીતળ ચાંદનીમાં વિહાર કરવાનું આયુર્વેદમાં નિર્દેશ કરવામાં આવ્યો છે. મનને સંતોષ થાય તેવી મીઠી વાતો કરવાથી પણ આ ઋતુમાં અનેરો ફાયદો થાય છે.

શરદ ઋતુમાં ખીરનું સેવન

દૂધ અને પૌઆ અને ખીર આ ઋતુમાં પીત્તનું શમન કરે છે. ટમેટા, ખાટા સૂપ વગેરે અને આથો આવ્યો હોય તેવા ઢોસા, ઈડલી, પીઝા, બ્રેડ, સોસ કે આમલી, કોઠમડી, આમચુર વગેરેનો ઉપયોગ નહીં કરવો જોઈએ. ધરાઈને ખાવું, પૂર્વ દિશામાંથી આવતો પવન, કાંજી, દારૂ, કુવાનું પાણી, ઝાંકળ, ક્ષાર, અડદ, તલ વગેરેનો ઉપયોગ નહીં કરવો જોઈએ. મરચા, મરી, લીંડીપીપર, વગેરે તીક્ષ્ણ દ્રવ્યો પણ નહીં વાપરવા જોઈએ. લીંબુ, આમળા અને કોકમ વિપાકે મધુર હોવાથી તે પ્રમાણસર લેવા જોઈએ.

નેગેટિવ લિસ્ટમાં દહીંનું સ્થાન પ્રથમ છે

દહીં તો આમપણ નેગેટીવ લિસ્ટમાં પ્રથમ સ્થાન પામેલું છે. દહીં પોતે તો ખાટુ છે પરંતુ પચ્યા પછી તે વધારે ખાટું બને છે. એટલે ઉપાલંભમાં કહેવાય છે કે સાંજે દહીં ખાય તેને ત્રણ ફાયદા થાય છે (અ) તેના ઘરે ચોરી નથી થતી કેમકે તે સતત ખાંસતો હોય છે (આ) તેને ક્યારે પણ કુતરૂ કરડતું નથી કેમકે નાની ઉંમરમાં જ તેના હાથમાં વૃદ્ધાવસ્થાની લાકડી આવી જાય છે (ઈ) તેણે પોતાના પરીવારના કોઈ સભ્યોનું મોત જોવું પડતું નથી. કેમકે તેનો નંબર પહેલા જ આવી જાય છે. સામાન્ય ઋતુમાં દહીં ખાવું હોય તો સવારના સમયમાં ઘી સાથે, સાકર સાથે ઘોળવું કરીને ખાવું જોઈએ અને છાશ વલોણાની જીરૂ અને સિંધવ નાંખીને પીવી જોઈએ.

આ ઋતુમાં કયા શાકભાજી અને ફળોનું સેવન કરવું

મદ્યપાન એટલે કે બીડી, સિગારેટના વ્યસનો અને તમાકુ સુંઘવામાં કે દાંતે ઘસવામાં પણ શરીરને ખૂબ નુકસાન કરે છે. આ બે મહિના દાળ અને શાકમાં દેશી ગાયના ઘીનો વઘાર કરવો જોઈએ. સીતાફળ, ચીકુ કે સફરજન જેવા મીઠા ફળો ખાઈ શકાય છે. કેળા આ બે મહિના જ ખાઈ શકાય છે. તે પણ કેળાની ઉપર દાણા-દાણા હોય તો તે વધારે ગુણકારી છે. દવાથી પકવેલા આજના કેળા બારે મહિના ખવાતા હોવાથી ખૂબ નુકસાનકારક છે. કેળાને ગરમ કરીને તેમાં ઘી, એલચી અને સાકર નાંખીને ખાવાથી તેનો કફ કરવાનો ગુણ નાશ પામે છે. થોડા મરી નાંખીને કેળા ખાવાથી નુકસાન ઓછુ કરે છે. કારેલા, કંકોડા, દૂધી, ગલકા અને જીવંતી એટલે કે ડોડીનું શાક જો મળતું હોય તો વાપરી શકાય છે. ડોડી એટલે કે જીવંતીનો પાવડર પણ વાપરી શકાય છે. શેરડીનો રસ પીવાને બદલે શેરડીના ટુકડા ચુસી શકાય છે.

શરદ ઋતુના રોગો અને તેની ચિકિત્સા

આ ઋતુમાં ચક્કર આવવા, ખંજવાળ આવવી, એસિડીટી થવી, ભૂખ નહીં લાગવી, માઈગ્રેન જેવો માથાનો દુ:ખાવો થવો વગેરે અનેક રોગો નવા થાય છે અને હોય તો વિકાર પામે છે. બહારનું ખાવાનું તેથી તદ્દન બંધ કરવું આવશ્યક છે. આજે મોટાભાગના રોગો હોટલનું તીખુ તમતમતું અને આમલી નાંખેલી દાળ, સંભાર ખાવાથી થતું હોય છે. માટે ચંદ્રપ્રભાવટી સવાર-સાંજ ખાલી પેટે બે-બે લેવી જોઈએ. અને એલચી સવારે 10 કલાકે અને સાંજે 5 વાગે બે-બે ચાવીને ખાવી તેમજ એક ચમચી સતાવળનો પાવડર દૂધમાં ઉકાળીને ખડી સાકર નાંખીને પાણી બળી જાય પછી તે દૂધ સવાર-સાંજ પીવાથી પીત્તના રોગોમાં અમાપસમાપ ફાયદો કરે છે. પિત્તનું આધિક્ય હોય તેમણે જમવાના અડધા પોણા કલાક પહેલા અવિપત્તિકર ચૂર્ણ લેવું જોઈએ. તેનાથી પિત્તનું શમન થાય છે.

 

  
=====
Click for more news:
Page-1, Page-2, Page-3, Page-4, Page-5,
Page-6, Page-7, Page-8, Page-9, Page-10,

 

A

A

F

L

L

Contact us on