Welcome to egujaratitimes.com!

તમાકુથી હૃદય રોગ પણ થાય છે

 

* તમાકુનાં તમામ ઉત્પાદનો નિકોટિન ધરાવે છે *
* તેમાં 28 અલગ અલગ રસાયણો હોય છે *

 

14:44 29/05/2019
ગુજરાતના લોકોમાં તમાકુનું સેવન કરવું એક મોટી સમસ્યા છે. મોટાભાગના લોકો તમાકુના સેવનથી થતી અસરો અંગે જાણકારી ધરાવે છે ત્યારે ઘણાં લોકો તમાકુના સેવનની પરોક્ષ અસરોથી સર્જાતી આરોગ્ય સંબંધિત સમસ્યાથી અજાણ છે.
તમાકુના સેવનની ઘણી અસરો છે. આ અસરોમાં ધમનીઓમાં ચરબી જામી જવી, કેટલાંક પ્રકારનાં કેન્સર અને લાંબા ગાળાનો ફેંફસા સાથે સંબંધિત પલ્મોનરી રોગ (ફેંફસાની સમસ્યાઓ) સામેલ છે. એથેરોસ્ક્લેરોસિસ (ધમનીઓમાં ચરબીયુક્ત પદાર્થોમાં વધારો કરે છે) ધુમ્રપાનથી મોટી સંખ્યામાં થતાં મૃત્યુઓ માટે મુખ્ય જવાબદાર છે. ઘણાં અભ્યાસોમાં પુરાવા જણાવે છે કે ધુમ્રપાન હૃદયની ધમનીનાં રોગ માટે મુખ્ય કારણભૂત પરિબળ છે, જે હૃદયરોગનાં હુમલા તરફ દોરી જાય છે.
તમ્બાકુનું સેવન ધુમાડા વિના તમ્બાકુનાં સેવનનું સર્વસામાન્ય પ્રકાર છે. ધુમાડા વિના તમ્બાકુનાં ઉત્પાદનોમાં તમ્બાકુ કે તમ્બાકુનું મિશ્રણ સામેલ છે, જેને ચાવવામાં આવે છે, ચુસવામાં આવે છે કે સૂંઘવામાં આવે છે. નિકોટિનનું શોષણ મુખની મુલાયમ પેશીઓ વાટે થાય છે અને કેટલાંક કિસ્સાઓમાં પેશીઓ ગળી જાય છે, તેમ અમદાવાદના ડિપાર્ટમેન્ટ ઓફ કાર્ડિયોલોજીના ડાયરેક્ટર ડોક્ટરે જણાવ્યું હતું.
ગુજરાત, ખાસ કરીને અમદાવાદ કમનસીબે ધુમાડાં વિના તમ્બાકુનું (મુખ વાટે) સેવન કરવામાં નંબર 1 છે. તે પેઢાઓ વચ્ચે ગુટખાં, પાનમાં કે પાનમસાલા સ્વરૂપે લેવામાં આવે છે. પછી તમ્બાકુનું સેવન સૌથી વધુ માવા સ્વરૂપે એટલે કે ચુના અને સોપારી સાથે તમ્બાકુનાં મિશ્રણ સ્વરૂપે થાય છે, જેને પેઢા વચ્ચે દબાવીને રાખવામાં આવે છે.
ધુમાડો પેદા ન કરતાં તમ્બાકુનાં ઉત્પાદનનાં સેવનથી સ્વાસ્થ્ય સાથે સંબંધિત જોખમો (મુખ વાટે તમ્બાકુનું સેવન)
તમ્બાકુનાં તમામ ઉત્પાદનો નિકોટિન ધરાવે છે, જે નશાકારક રસાયણ છે. ઉપરાંત તેમાં 28 અલગ અલગ રસાયણો હોય છે, જે તમ્બાકુમાં હાજર હોય છે અથવા ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન ઉમેરાય છે, જેને કેન્સર માટે કારણભૂત એજન્ટ (કાર્સિનોજેન્સ) કહેવાય છે. ધુમાડો પેદા ન કરતાં તમ્બાકુનાં ઉત્પાદનમાં રહેલાં આ પદાર્થોનો રોગનાં જોખમ સાથે સંબંધનું દસ્તાવેજીકરણ સારી રીતે થયું છે.
ધુમાડો પેદા ન કરતાં તમ્બાકુનાં ઉત્પાદનો સાથે સંબંધિત સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાં નીચે મુજબ છે.
વ્યસન. ધુમાડો પેદા ન કરતાં તમ્બાકુનાં ઉત્પાદનો નિકોટિન ધરાવતાં હોવાથી તમને સિગારેટનું જેમ તેનું વ્યસન થઈ શકે છે. સિગારેટ પીતાં અને તમ્બાકુ ચાવતાં લોકોમાં રક્તપ્રવાહમાં નિકોટિનનાં પરિભ્રમણનું સ્તર એકસરખું હોય છે. જોકે ધુમ્રપાનથી વિપરીત ધુમાડો ન કરતાં તમ્બાકુનાં ઉત્પાદનોનું સેવન દિવસ દરમિયાન નિયમિત સમયે થાય છે, ઘણી વખત તેનું સતત સેવન થાય છે, જેથી આખો દિવસ નિકોટિનનું સ્તર ઊંચું જળવાઈ રહે છે, જેનાં પરિણામે તેનાં પરની નિર્ભરતામાં વધારો થાય છે. ધુમ્રપાનની જેમ ધુમાડો ન કરતાં તમ્બાકુ ઉત્પાદનો છોડવાથી અતિશય તડપ લાગવી, ભૂખમાં વધારો થવો, કંટાળો આવવો અને ઉદાસ થવું જેવી ચિહ્નો જોવા મળે છે.
હૃદયરોગ :
ધુમાડા વિના તમ્બાકુનાં કેટલાંક સ્વરૂપો તમારાં હૃદયનાં ધબકારાનો દર અને બ્લડપ્રેશરમાં વધારો કરે છે. પુરાવા સૂચવે છે કે ધુમાડા વિના તમ્બાકુનું સેવન લાંબો સમય કરવાથી જીવલેણ હૃદયરોગ અને સ્ટ્રોકનાં જોખમમાં વધારો થાય છે.
કેન્સરઃ તમ્બાકુ ચાવવાથી અને અન્ય ધુમાડા વિનાનાં તમ્બાકુ ઉત્પાદનોનાં સેવનથી વિવિધ પ્રકારનાં કેન્સરનાં જોખમમાં વધારો થાય છે – જેમ કે મુખનું કેન્સર, ગળાનું કેન્સર, ગાલનું કેન્સર, પેઢાનું કેન્સર, હોંઠ કે જીભનું કેન્સર. સ્વાદુપિંડ અને અન્નનળીનું કેન્સર, જે તમારાં ગળામાંથી તમારાં પેટ સુધીની લાંબી નળી છે.
કેન્સરપૂર્વે મુખ પર ઇજાઃ ધુમાડા વિના તમ્બાકુનું સેવન તમારાં મુખની અંદર લૂકૉપ્લેકીઉં નામનાં નાનાં સફેદ ડાઘનું જોખમ વધારે છે. આ ડાઘાં કેન્સરપૂર્વેની સ્થિતિ છે – એટલે કે આ ડાઘાંની સારવાર કરાવવામાં ન આવે તો એક દિવસ કેન્સરયુક્ત બની શકે છે.
ધુમ્રપાન
ધુમ્રપાન હૃદયની ધમનીનાં રોગોનું જોખમ કેવી રીતે વધારે છે?
સિગારેટ અને તમ્બાકુનું ધુમ્રપાન, 2) લોહીમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ વધારીને, 3) બ્લડ પ્રેશર વધારીને, 4) શારીરિક નિષ્ક્રિયતા, 5) મેદસ્વીપણું અને 6) ડાયાબીટિસ – એ છ મુખ્ય સ્વતંત્ર પરિબળો છે, જે હૃદયની ધમનીનાં રોગોનું જોખમ વધારે છે કે નિયંત્રણમાં રાખે છે.
ધુમ્રપાનનું સેવન મોટી સંખ્યામાં લોકો કરે છે અને આપણે તેને “રોગ અને મૃત્યુઓ માટે અગ્રણી નિવારક કારણ” તરીકે ઓળખી શકીએ એટલું મોટું જોખમી પરિબળ છે.
ધુમ્રપાનથી હૃદયની ધમનીનાં રોગનાં જોખમમાં વધારો થાય છે. જ્યારે અન્ય પરિબળો સાથે આ પરિબળ જોડાય છે, ત્યારે જોખમમાં મોટો વધારો થાય છે. ધુમ્રપાનથી બ્લડ પ્રેશર વધે છે, કસરત કરવાની ક્ષમતા ઘટે છે અને લોહીનાં ગઠ્ઠા જામી જવાનું પ્રમાણ વધે છે. ધુમ્રપાનથી બાયપાસ સર્જરી પછી હૃદયની ધમનીનો રોગ ઉથલો મારવાનું જોખમ પણ વધે છે.
ધુમ્રપાન યુવાન પુરુષો અને મહિલાઓ માટે સૌથી મોટું જોખમી પરિબળ છે. તે 50 વર્ષથી વધારે ઉંમર ધરાવતી વ્યક્તિ કરતાં 50 વર્ષથી ઓછી વય ધરાવતી વ્યક્તિઓમાં જોખમમાં ઘણો વધારે કરે છે.
મુખ વાટે ગર્ભનિરોધક ગોળીઓ લેતી પણ ધુમ્રપાન કરતી મહિલાઓની સરખામણીમાં ધુમ્રપાન કરતી અને મુખ વાટે ગર્ભનિરોધક ગોળીઓ લેતી મહિલાઓમાં હૃદયની ધમનીઓનાં રોગ અને સ્ટ્રોકનાં જોખમમાં વધારો થાય છે.
ધુમ્રપાન એચડીએલ (સારાં) કોલેસ્ટેરોલમાં ઘટાડો કરે છે. કુટુંબમાં હૃદયરોગીનો રેકોર્ડ ધરાવતાં લોકોમાં ધુમ્રપાનથી આ જોખમમાં મોટો વધારો થાય છે.
સ્ટ્રોક તથા પેરિફરલ આર્ટેરિયલ ડિસીઝ (પીએએસ)નો સિગારેટનાં સેવન સાથે શું સંબંધ છે?
અભ્યાસો દર્શાવે છે કે સિગારેટનું સેવન સ્ટ્રોક માટે મહત્ત્વપૂર્ણ જોખમી પરિબળ છે. સિગારેટનાં સેવનથી ધુમાડો શ્વાસમાં જાય છે, જે સેરેબ્રોવાસ્ક્યુલર સિસ્ટમને નુકસાન કરે છે. મુખ વાટે ગર્ભનિરોધક ગોળીઓ લેતી અને ધુમ્રપાન કરતી મહિલાઓમાં સ્ટ્રોકનું જોખમ અનેકગણું વધારે હોય છે. ધુમ્રપાન પેરિફરલ આર્ટેરિયલ ડિસીઝ (પીએએસ) અને ઓર્ટિક એન્યુરિઝમ માટેનું જોખમ પણ વધારે છે.
સિગાર અને પાઇપ ધુમ્રપાનની શું અસર થાય છે?
જે લોકો સિગાર કે પાઇપનું સેવન કરે છે, તેઓ ધમનીનાં હૃદયરોગ (અને સ્ટ્રોકની શક્યતા)નું વધારે જોખમ ધરાવે છે, પણ ધુમ્રપાન કરતાં લોકોથી તેઓ ઓછું જોખમ ધરાવે છે, કારણ કે તેઓ શ્વાસમાં ઓછો ધુમાડો લે એવી શક્યતા છે તથા પાઇપ સ્મોકિંગ અને કાર્ડિયોવાસ્ક્યુલર રોગ, ખાસ કરીને યુવાન પુરુષોમાં વધારે જોવા મળે છે, જેઓ સિગારનાં સેવનકર્તાઓમાં મોટો હિસ્સો ધરાવે છે.
સિગારેટનું સેવન હૃદય સાથે સંબંધિત વિવિધ રોગો તરફ દોરી શકે છે?
સિગારેટનું સેવન હૃદયનાં રોગો તરફ દોરી જાય છે. તે નિકોટિન સાથે અનેક ઝેરી એજન્ટ ધરાવે છે. નિકોટિન મગજ અને સ્વાયત્ત નર્વસ સિસ્ટમમાં નિકોટિનની સ્વીકાર્યતાને પ્રોત્સાહન આપે છે. એટલે તે મગજમાં ઉત્તેજના વધારે છે તથા બંને સિમ્પેથેટિક અને પેરાસિમ્પેથિટિક નર્વસ સિસ્ટમ બંનેને ઉત્તેજિત કરે છે. આ બ્લડ પ્રેશર વધારે છે અને ધમનીની દિવાલને કઠણ કરે છે, જેથી તેનાં સંકોચન અને પ્રસારનો દર ઘટે છે, જેથી એથેરોસ્ક્લેરોસિસની પ્રક્રિયા ઝડપી થાય છે. આ બંને જોખમી પરિબળો માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન (હૃદયરોગનાં હુમલાનું કારણ) સાથે સંકળાયેલા છે.
ધુમ્રપાનથી તમને કયાં પ્રકારનાં હૃદયરોગો થાય છે?
1) ઇસ્કેમિક કાર્ડિયાક સાથે સંબંધિત રોગો. 2) નસોનું થ્રોમ્બોસિસ, જે ફેંફસામાં પરિભ્રમણ બંધ કરી શકે છે અને ફેંફસા સાથે સંબંધિત ધમનીઓમાં પરિભ્રમણ અટકાવવી શકે છે. 3) માયોકાર્ડિયલ ઇન્ફાકર્શન (શરીરનાં અંગો કે પેશીઓને લોહી પહોંચતી અટકી જવું)
તમ્બાકુનાં ધુમ્રપાનમાં કયું રસાયણ હૃદયનાં રોગો માટે કારણભૂત છે?
તમ્બાકુનાં ધુમ્રપાનમાં સેંકડો રસાયણો હોય છે અને તેમાંથી અનેક રસાયણો કાર્ડિયાવાસ્ક્યુલર સમસ્યાઓ માટે જવાબદાર હોઈ શકે છે. તેમાંથી સૌથી વધારે જવાબદાર કાર્બન મોનોક્સાઇડ છે.
જ્યારે તમે ધુમ્રપાન કરો છો, ત્યારે તમને હૃદયનાં રોગ શા માટે થાય છે?
બે કારણોસર થાય છે : 1) પેરિફેરલ સર્ક્યુલેશનને સંકુચિત કરીને, જેમાં માયોકાર્ડિયમ સર્ક્યુલેશન સામેલ છે, જે ધમનીમાં હાઇપરટેન્શન તરફ દોરી જાય છે. 2) અન્ય પરોક્ષ કારણોમાં હૃદયનાં ધબકારાનો દર વધારીને. ધુમ્રપાન મનુષ્યનાં તમામ અંગોને નુકસાન કરી શકે છે.
ધુમ્રપાનનો હૃદયરોગ અને સ્ટ્રોક સાથે શું સંબંધ છે?
ધુમ્રપાન સીવીડીનું મુખ્ય કારણ છે અને દર ત્રણમાંથી એક મૃત્યુ માટે સીવીડી જવાબદાર છે. ધુમ્રપાન ટ્રાઇગ્લીસરાઇડ (તમારાં લોહીમાં એક પ્રકારની ચરબી)નાં પ્રમાણમાં વધારો કરી શકે છે
“સારાં” કોલેસ્ટેરોલમાં ઘટાડો (એચડીએલ) કરે છે
લોહીને ઘટ્ટ કરે છે અને પછી ગઠ્ઠા જામી જવાની શક્યતા વધારે છે, જે હૃદય અને મગજ સુધી રક્તપ્રવાહને અટકાવી શકે છે
રક્તવાહિનીઓની લાઇન બનાવતાં કોષોને નુકસાન કરે છે
રક્તવાહિનીઓમાં પ્લેક (ચરબી, કોલેસ્ટેરોલ, કેલ્શિયમ અને અન્ય પદાર્થો)નાં પ્રમાણમાં વધારો કરે છે
રક્તવાહિનીઓને જોડી અને સાંકડી કરે છે
નિષ્ક્રિય ધુમ્રપાન
નિષ્ક્રિય ધુમ્રપાનથી હૃદય સાથે સંબંધિત રોગ થાય છે?
નિષ્ક્રિય ધુમ્રપાન એટલે ધુમ્રપાનનાં ધુમાડાં તમારાં શ્વાસમાં જવાં, જેને સેકન્ડહેન્ડ સ્મોક (એસએચએસ) અથવા એન્વાયર્મેન્ટલ ટોબેકો સ્મોક (ઇટીએસ) કહેવાય છે, જે અન્ય લોકો દ્વારા તમ્બાકુનાં ઉત્પાદનોનાં સેવનથી થાય છે. જ્યારે તમ્બાકુનો ધુમાડો કોઈ પણ વાતાવરણમાં પ્રસરે છે, ત્યારે એ વાતાવરણમાં રહેલાં લોકોનાં શ્વાસમાં એ જાય છે. વૈજ્ઞાનિક પુરાવા દર્શાવે છે કે સેકન્ડહેન્ડ ટોબેકો સ્મોકથી ફેંફસા અને કાર્ડિયોવાસ્ક્યુલર રોગ, વિકલાંગતા અને મૃત્યુ થાય છે. સેકન્ડહેન્ડ સ્મોક ઝેર અને કાર્સિનોજેન્સનું મિશ્રણ ધરાવે છે. સેકન્ડહેન્ડ સ્મોકમાં 4000થી વધારે રાસાયણિક સંયોજનો હોય છે, જેમાંથી 200 ઝેરી સંયોજનો તરીકે જાણીતા છે તથા 60 સુધીનાં સંયોજનોની ઓળખ કાર્સિનોજેન્સ તરીકે થઈ છે. હૃદયરોગથી મૃત્યુ – જેઓ અત્યારે ધુમ્રપાન કરતાં નથી, પણ ઇટીએસનાં કારણે તેમાંથી ઘણાં લોકોનાં મૃત્યુ હૃદય સાથે સંબંધિત વિવિધ રોગોને કારણે થાય છે. નિષ્ક્રિય ધુમ્રપાન માથાને લોહી પહોંચાડનારી ધોરી નસોને સાંકડી કરે છે. સેકન્ડહેન્ડ સ્મોકનાં સંસર્ગમાં આવવાથી ધમનીઓ ઝડપથી કઠણ થાય છે, જે આર્થરોસ્ક્લેરોસિસ તરીકે જાણીતી સ્થિતિ છે. ઇટીએસનો સતત સંસર્ગ હૃદયરોગનાં હુમલાની શક્યતાઓ લગભગ બમણી કરે છે.
તમ્બાકુ ધીમે ધીમે મૃત્યુ તરફ લઈ જાય છેઃ તબક્કાવાર આત્મહત્યાનું એક સ્વરૂપ છે. એટલે આ વાત તમારાં પર નિર્ભર છે કે:- જીવન પસંદ કરવું કે તમ્બાકુ.

---


=====
Click for more news:
Page-1, Page-2, Page-3, Page-4, Page-5,
Page-6, Page-7, Page-8, Page-9, Page-10,

 

ALPAVIRAM

ALPAVIRAM

FREE PRESS Gujarat

LOKMITRA

LOKMITRA

Contact us on